ચોઘડિયાં - શુભ

એવું વિચારી ને નારાજ ના થતા કે કામ મારું ને નામ બીજાનું કારણ કે સદીઓ થી 'ઘી' અને 'વાટ' બળે છે, પણ લોકો એવું જ કહે છે કે દિવો બળે છે

શું તમે ગણપતિ બેસાડયા છે?

|| ગણપતી ઉત્સવ || માં બળે છે મારું કાળજું...

હે મારા પ્રીય પ્રેમીભક્તો...
     હું આજે તમને વૉટ્સએપ અને ઈ-મેલ કરવા બેઠો છું. તમારા સુધી કોઈક તો પહોંચાડશે જ એવી આશા સાથે. તમે લોકો છેલ્લાં ઘણાં વર્ષોથી "ગણપતી ઉત્સવ" ઉજવો છો એનાથી હું આમ તો ખુબજ રાજી છું; પરન્તુ છેલ્લાં 10 વર્ષના ઓવરડોઝથી મારું કાળજું બળે છે. માટે જ આ લખવા હું પ્રેરાયો છું. તમને યાદ તો છે ને કે ઈ.સ.14મી સદીમાં સંત મોર્ય ગોસાવીએ પુણે પાસે મોરગાવમાં મારું પ્રથમ મંદિર "મોર્યેશ્વર" બનાવ્યું હતું. ત્યારથી લોકો ગણપતીબાપા મોર્યને બદલે "મોરીયા" બોલતા થયા. તમે ભુલી ગયા કે મુગલો સામે હિન્દુત્વને એકઠું કરવા ઈ.સ.1749માં શીવાજી મહારાજે કુળદેવતા તરીકે ગણપતીની સ્થાપના કરી પુજા શરુ કરાવી. તમને યાદ જ હશે કે ઈ.સ.1893માં બાળ ગંગાધર તીલક મુંબઈ ગીરગાંવમાં સાર્વજનીક "ગણેશ ઉત્સવ"થી અંગ્રેજો સામે ભારતને સંગઠીત કરવા આ ઉત્સવને ગરીમા બક્ષી હતી. અને વળી, પુણેમાં દગડુ શેઠે એમણાં ઘરમાં મારી પધરામણી કરાવી, ત્યારથી હું દગડુશેઠ તરીકે મને પ્રસીદ્ધી મળી.
 

     મારા આ ઉત્સવ સાથે ભારતને એક કરીને જગાડવાના કામના શ્રી ગણેશ ટીળકજીએ માંડ્યા તા; પણ... તમે લોકોએ હવે મારો તમાશો કરી નાંખ્યો છે. અરે યાર, શેરીએ–શેરીએ મારી પધરામણી કરો છો, તમારી શ્રદ્ધાને વંદન; પરંતું એકબીજાને બતાવી દેવા, સ્પર્ધા કરવા? તમે લોકો તો મારા નામે 'શક્તી–પ્રદર્શન' કરવા લાગ્યા છો. આ ઉત્સવથી ભારતનું ભલું થાય એમ હતું. એટલે આજ સુધી મેં આ બધું ચાલવા દીધું છે. આ "ગણપતી ઉત્સવ"નો સોસાયટીઓની ડેકોરેશન કે જમણવારની હરીફાઈઓ માટે નથી. જેમને ખુરશી સીવાય બીજા એક પણ દેવતા સાથે લેવા–દેવા નથી તેઓ મારા ઉત્સવો શા માટે ઉજવી રહ્યા છે? આઈ એમ હર્ટ પ્લીઝ, મારા વહાલા ભકતો, સંપતીનો આ વ્યય મારાથી જોવાતો નથી.


     આખા દેશમાં "ગણપતી ઉત્સવ" દરમ્યાન અગરબત્તીની દુકાનમાં પણ લાઈન, મીઠાઈની દુકાનમાં પણ લાઈન, ફુલવાળાને પણ ત્યાં લાઈન અરે યાર, આ બધું શું કરવાની જરુરી છે?. માર્કેટની ડીમાન્ડને પહોંચી વળવા નકલી દુધ કે માવાની મીઠાઈઓ ડેરીવાળા પબ્લીકને ભટકાવે છે અને પબ્લીક મને ધરાવે છે. હવે મારે ઈ ડુપ્લીકેટ લાડુ ખાઈને આશીર્વાદ કોને આપવા અને શ્રાપ કોને આપવા, કહો મને?
 

     શ્રદ્ધાના આ અતીરેકથી હું ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું. એક ગામ કે શહેરમાં 50 કે 100 ગણપતી ઉજવાય એના કરતાં આખું ગામ કે શહેર કે બધી સોસાયટીઓ ભેગા મળીને એક 'ગણપતી' ઉજવો તો સંત મોર્ય ગોસાવીનો, બાળ ગંગાધર ટીળકનો કે દગડુશેઠ અને શીવાજી મહારાજનો હેતુ સાર્થક થશે અને હું પણ રાજી...
 

     હે… મરા વહાલા ભક્તો, હું તમારું એન્ટરટેઈનમેન્ટ નથી, હું તમારા દરેક શુભ કાર્યની શરુઆતનો નીમીત્ત છું, અને તમે મારા ઉત્સવોથી મને જ ગોટે ચડાવી દીધો છે. હું દરેક ભક્તની વાત અને સુખ–દુઃખને "સાગરપેટો" બનીને સાચવી શકું તે માટે મેં મોટું પેટ રાખ્યું છે; પરંતુ તમે તો મોટા પેટનું કારણ ભુખ સમજીને મારા નામે તમે લોકો લાડવા દાબવા માંડ્યા. મેં મોટા કાન રાખ્યા જેથી હું દરેક ભક્તની ઝીણામાં ઝીણી વાત પણ સાંભળી શકું છું! પરંતુ તમે લોકો તો 40,000 વૉટની ડી.જે.સીસ્ટમ લગાડીને મારા કાન પકાવવા લાગ્યા છો. મેં ઝીણી આંખો રાખી જેથી હું ઝીણા ભ્રષ્ટાચાર કે અનીષ્ટને પણ જોઈ શકું છું; પરંતુ તમે તો તે ભ્રષ્ટાચારીઓ પાસેથી જ ફાળો ઉઘરાવાને મારી આરતી ઉતરાવો છો.
 

     નવરાત્રીને તો તમે અભડાવી નાખી, હવે "ગણેશ ઉત્સવ"ને ડાન્સ કે ડીસ્કો પાર્ટી ન બનાવો તો સારું. માતાજીએ તમને માફ કર્યા હશે; પણ મને ગુસ્સો આવશે ને તો સુંઢભેગા સાગમટે પાડી દઈશ. ઈટસ અ વોર્નીંગ. કંઈક તો વિચાર કરો. ચિક્કાર દારુ પીને મારી યાત્રામાં ડીસ્કો કરતાં તમને શરમ નથી આવતી?. વ્યસનીઓએ ગણપતીબાપા મોરીયા નહીં; પણ ગણપતીબાપા 'નો–રીયા' બોલવું જોઈએ.
 

     કરોડો રુપીયામાં મારા ઘરેણાંની હરાજી કરી લેવાથી હું પ્રસન્ન થઈ જાઉં છું એમ?. હું કાંઈ ફુલણશી છું કે લાખોની મેદની જોઈને હરખઘેલો થઈ જાઉં છું એમ? અરે, મારા ચરણે એક લાખ ભકતો ભલે ન આવે; પણ એકાદ સાચો ભકત દીલમાં સાચી શ્રદ્ધા લઈને આવશે ને તો ય હું રાજી થઈ જઈશ. લાડુના ઢગલા કરી મારી સામે કરીને અન્નનો અતિરેક કરવા કરતાં ઝુંપડપટ્ટીના કોઈ ભુખ્યા બાળકને જમાડી દો, મને પહોંચી જશે. મારા નામે આ દેખાડો થોડો ઓછો કરો.
 

     વહાલા ભક્તો, જે દરીયાએ અનેક ઔષધીઓ અને સંમપતિ તમને આપી છે એમાં જ મને પધરાવી દઈને પર્યાવરણનો કચ્ચરઘાણ વાળતાં સહેજ પણ તમે વિચાર નથી કરતાં?. ઈકોફ્રેન્ડલી ગણપતી બનાવવામાં તમને વાંધો શું છે?. મારું વિસર્જન પણ કોઈ ગરીબના ઝુંપડાનું અજવાળું થાય એવું ન કરી શકો તમે?.
 

     આ ગણપતી ઉત્સવે મારી છેલ્લી એક વાત માનશો?. મારા નામે દાન કરવાની નક્કી કરેલી રકમનો એક નાનકડા ભાગથી કોઈ ગરીબનાં દીકરાદીકરીની સ્કુલની ફી ભરી દો તો મારું દિલ રાજી થશે. આ સંમપતિનો વિવેકપૂર્વક ઉપયોગ કરો.
 

     ભારતમાં જન્મેલો પ્રત્યેક નાગરીક આ "ગણપતી ઉત્સવે" ભારતને વફાદાર રહેવાના સોગંદ લે અને ભારતનો દરેક યુવાન,માવા,ફાકી,ગુટખા,દારુ અને તીનપત્તી માંથી બહાર નીકળવાની કસમ ખાય અને દરેક દીકરીફેશનના સફોકેશન માંથી બહાર નીકળવાની પ્રતીજ્ઞા લે તો જ આવતા વર્ષે આવીશ. બાકી મારા નામે છેતરવાનું અને દેવીદેવતાઓને ઈમોશનલી બ્લેક મેઈલીંગ કરવાનું બંધ કરો.

તમારો જ, લી. ગણેશ 'મહાદેવનિવાસ' કૈલાશ પર્વત.
 

લેખક:-સાંઈરામ દવે
સંપાદક:-નરનારાયણ શાસ્ત્રી
આધારિત:-સોશિયલમિડિયા


Copyright 2018. Shree NarNarayaN Dev App Management Team. All rights reserved. No part of this website or application may be reproduced, distributed, or transmitted in any form or by any means without the prior written permission.